અદ્ભુત સોમનાથ મંદિરનો ઇતિહાસ: શ્રદ્ધા અને શક્તિનું પ્રાચીન પ્રતીક”

સોમનાથ મંદિરનો ઇતિહાસ

સોમનાથ મંદિરનો ઈતિહાસ ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ ગણાતા આ મંદિરની વારસાગાથા છે, જે માત્ર પથ્થરનું બંધાણ નથી, પણ શ્રદ્ધા, સંસ્કૃતિ અને સહનશક્તિનું જીવંત પ્રતીક છે. ગુજરાતના પ્રભાસ પાટણ (વેરાવળ) ખાતે સ્થિત આ મંદિર ત્યાં વસેલું છે જ્યાં હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીઓનું સંગમ થાય છે – અને એ સ્થાન તીર્થોમાં તીર્થ માનવામાં આવે છે.

🌟 ઉત્પત્તિ અને પ્રથમ સ્થાપના: 🌙 ચંદ્રદેવ, શ્રાપ અને સોમનાથ

સોમનાથ મંદિર માત્ર ઈતિહાસનું નહિ પણ અદ્ભુત દંતકથાઓનું મંદિર પણ છે. એવી એક લોકપ્રિય અને ભાવુક કથા છે ચંદ્રદેવના શ્રાપ અને ભગવાન શિવના આશીર્વાદની, જે આજે પણ ભક્તોના મનમાં જીવંત છે.

🧿 ચંદ્રદેવ અને તેની ૨૭ પત્નીઓ

દંતકથાનુસાર, ચંદ્રદેવ, દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ સાથે લગ્નસૂત્રે બંધાયા હતા. આજના સમયમાં આપણે તેમને ૨૭ નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ. જોકે, ચંદ્રદેવના હૃદયમાં ખાસ સ્થાન હતું માત્ર રોહિણી માટે, જેને તેઓ અન્ય પત્નીઓ કરતા વધુ પ્રેમ કરતા.

આ પ્રેમમાં અસંતુલન હોવાથી બાકીની ૨૬ બહેનો દુઃખી રહેવા લાગી અને છેલ્લે તેમનો પિતા દક્ષ આ અન્યાયથી આક્રોશિત થયા. દક્ષે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે:

> “તારું ક્ષય થશે – તું ક્ષીણ થતો જઈશ!”

🕉️ શ્રાપમાંથી મુક્તિ માટે શિવની આરાધના

શ્રાપના પ્રભાવથી ચંદ્રનું તેજ ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યું. જ્યારે આશા ન હતી, ત્યારે તેઓ પ્રભાસ પાટણના આ પવિત્ર તીર્થમાં આવ્યા – જ્યાં આજનું સોમનાથ મંદિર આવેલુ છે.

ત્યાં ચંદ્રદેવે ભગવાન શિવની અખંડ ઉપાસના કરી, અને શિવનું ‘મહામૃત્યુંજય મંત્ર’ દ્વારા ઘોર તપસ્યા કરી,અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને શ્રાપમાંથી આંશિક મુક્તિ આપી.

🌗 ચંદ્રના વધતા-ઘટતા રૂપ પાછળનું આધ્યાત્મિક કારણ

આ કથાને આધારે માનવામાં આવે છે કે ચંદ્ર હવે 15 દિવસ વધે છે (શુકલ પક્ષ) અને 15 દિવસ ઘટે છે (કૃષ્ણ પક્ષ), જે આજે પણ નક્ષત્ર ગણનાના આધારે ચંદ્રમાસના ચક્ર તરીકે ઓળખાય છે.

આધુનિક વિજ્ઞાન આને ચાંદનીનાં ચક્રરૂપ આકારોથી સમજાવે છે, પણ આધ્યાત્મિકતા અને શ્રદ્ધા માટે, એ ચંદ્ર અને શિવજીના સંબંધની એક અદ્વિતીય કથા છે.

🛕 સોમનાથ – ચંદ્રે સ્થાપેલું પહેલું શિવલિંગ?

આ કથા મુજબ, ચંદ્રદેવે ભગવાન શિવના અનુગ્રહથી પોતાનું તેજ પુનઃ પ્રાપ્ત કર્યા બાદ, કૃતજ્ઞતાસ્વરૂપે અહીં સોમનાથના પ્રથમ સ્વરૂપની સ્થાપના કરી હતી. માન્યતાઓ અનુસાર, ચંદ્રદેવે સોનાથી બનેલું શિવમંદિર બાંધ્યું હતું. આથી તેનું નામ “સોમનાથ” પડ્યું – એટલે કે સોમનો નાથ, ચંદ્રનો શાસક. આ ઉલ્લેખ ઋગ્વેદ માં પણ જોવા મળે છે.

આ પછી:

રાવણએ ચાંદીથી મંદિર બનાવ્યું

અને ભગવાન શ્રીકૃષ્ણે ચંદનના લાકડાથી મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું પણ કહેવાય છે

📍 બાણ સ્તંભ – ભૌગોલિક ચમત્કાર અને આધ્યાત્મિક સંકેત

સોમનાથ મંદિરની ભવ્યતા માત્ર તેની ધાર્મિક મહત્તા સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેનું ભૌગોલિક સ્થાન અને વિજ્ઞાનસંગત દૃષ્ટિ પણ વિશ્વને આશ્ચર્યચકિત કરે છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી દક્ષિણ દિશામાં એક પ્રાચીન શિલાસ્તંભ ઊભો છે – જેને “બાણ સ્તંભ” કહેવામાં આવે છે.

આ પથ્થર પર ખોદાયેલા પ્રાચીન શિલાલેખ અનુસાર, આ બાણ સ્તંભ જે દિશામાં સૂચવે છે ત્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી બીજું કોઈ ભૂખંડ, ટાપુ કે પ્રદેશ આવેલો નથી. એટલે આ દિશા છે “અવિરત, અપ્રતિબંધિત ખાલી જગ્યા” – જે દરિયાં અને અંતરિક્ષના અપાર વિસ્તાર તરફ દોરી જાય છે.

> શિલાલેખમાં લખાયું છે:

“શ્રી સોમનાથ મહાદેવના ધ્વજથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી અવિરત ખાલી જગ્યા છે.”

આ બાણ સ્તંભ શિવજીના દિશાસૂચક તેજને દર્શાવે છે – જેમ કે, શિવનો જ્યોતિર્મય પ્રકાશ જે અવરોધ વિના સમગ્ર બ્રહ્માંડમાં પ્રસરે છે. આધ્યાત્મિકતા સાથે ભૌગોલિક સચોટતા ધરાવતો આ સ્તંભ ભારતના વૈજ્ઞાનિક વારસાની જીવતી સાક્ષી છે.

સોમનાથ મંદિરનો ઈતિહાસ

🛕 સૌંદર્ય અને સમૃદ્ધિનું શિખર

પ્રાચીન સમયમાં સોમનાથ મંદિર માત્ર ધાર્મિક નથી રહ્યું, પરંતુ તેનો શણગાર અને સંપત્તિ એ અન્યો માટે ઈર્ષ્યાનું કારણ બની. કહેવામાં આવે છે કે મંદિરના સંચાલન માટે 10,000 ગામડાંઓ દાનમાં અપાયાં હતાં.

આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા.

મંદિરમાં સોનાની ઘંટડીઓ ઝૂલતી

સાગના 56 વિરાટ સ્તંભો ઉપર ગર્ભગૃહ નિર્માણ થયેલું હતું અને પ્રત્યેક સ્તંભ ઉપર ભારતીય રાજાઓના નામ કોતરવામાં આવ્યા હતા અને તેમાં ભરપૂર સોના-ચાંદી અને હીરા જડવામાં આવ્યા હતા.

અહીં રત્નોથી ભરેલા ભંડાર હતા  અને ભક્તિભાવથી ભરેલા નૃત્યગીતો દ્વારા અનેક નટ-નટીઓ ભગવાન શિવ ને નૃત્ય કરી ને રીઝવતા હતા.

⚔️ આક્રમણોનું કાળચક્ર અને પુનર્જન્મની શક્તિ

ઇ.સ. 649 – વલ્લભી વંશના રાજા મૈત્રકેએ મંદિરનું પ્રથમ પુનર્નિર્માણ કર્યું.

ઇ.સ. 1025 – મહંમદ ગઝનવીએ મંદિર પર આક્રમણ કર્યું. 8 દિવસ ચાલેલા યુદ્ધ બાદ 50,000 હિન્દુ યોદ્ધાઓ શહીદ થયા. ગઝનવીએ આશરે 20 લાખ દિનાર લૂંટ્યા અને શિવલિંગ તોડી તેને ગઝની લઇ ગયો.

લૂંટ બાદ સોલંકી રાજા ભીમદેવ પ્રથમ દ્વારા મંદિર નું પુન:નિર્માણ કરવામાં આવ્યું.

ઇ.સ. 1299 – અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મંદિર તોડી નાંખ્યું.

ઇ.સ. 1308 – ચુડાસમા રાજા મહિપાલદેવ પ્રથમએ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું.

ઇ.સ. 1395 – ઝફરખાને ફરીથી ધ્વંસ કર્યું.

ઇ.સ.1414 –  અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સને 1451માં રા’માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી.

ઇ.સ. 1459 – 1511 – મહમદ બેગડાના શાસન દરમિયાન મંદિરને મસ્જિદમાં ફેરવી દેવાયું.

ઇ.સ. 1665 અને પછી 1706 – ઔરંગઝેબના આદેશથી મંદિર ફરી તોડી મસ્જિદ બનાવવામાં આવી. મૂર્તિઓ તોડી પડાઈ અને સ્થાનિક હિન્દુઓ પર બૌદ્ધિક અને ધાર્મિક દમન શરૂ થયું.

અંતે આઝાદી પહેલાના સોમનાથ મંદિર નો જીર્ણોધાર ઇ.સ.1787માં અહલ્યાબાઈ હોલકરે કરાવ્યો.

સોમનાથ મંદિરનો ઈતિહાસ
સોમનાથનું પ્રાચીન મંદિર
સોમનાથ મંદિરનો ઈતિહાસ
ઔરંગઝેબ દ્વારા મંદિર ઉપર ગુંબજ બનાવી મસ્જીદ બનાવવામાં આવી હતી તે સમયની તસવીર

–-

આઝાદી અને પુનઃ સ્થાપન: નવા યુગનો પ્રારંભ

ભારત સ્વતંત્ર થયું ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલે “સોમનાથ ફરી ઊભું થવું જ જોઈએ” એવું ઘોષિત કર્યું. કનૈયાલાલ માણેકલાલ મુનશીના સંગઠન પ્રયત્નોથી **”સોમનાથ ટ્રસ્ટ”**ની રચના થઈ.

મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ, મંદિરના પુનઃનિર્માણ માટે જનદાનથી નાણાં ભેગાં કરવામાં આવ્યાં.

11 મે, 1951 – ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નવસર્જિત સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગ એ માત્ર મંદિર નહીં, પણ ભારતના આત્મવિશ્વાસના પુનર્જાગરણનું પ્રતીક બની રહ્યો.

સોમનાથ મંદિરનો ઈતિહાસ
નવા સોમનાથ મંદીરનું ઉદ્ઘાટન અને પૂજા કરતા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ
સોમનાથ મંદિરનો ઈતિહાસ
આઝાદી બાદનું નવનિર્મિત સોમનાથ મંદીર.

🔁 શ્રદ્ધા અનંત છે: ફરી તૂટ્યું, ફરી ઊભું થયું

સોમનાથ એ એક એવું મંદિર છે, જેને અનેકવાર તોડવામાં આવ્યું, પણ દરેક વખતના વજ્રાઘાત પછી તે વધુ ભવ્ય અને મજબૂત રીતે ઊભું થયું. કારણ કે ભગવાન શિવના પરમ ભક્તો માટે આ મંદિર માત્ર પથ્થર નહીં, પણ શ્રદ્ધા- આસ્થાનું કેન્દ્ર છે.

📢 સોમનાથ: તમારા શ્રદ્ધા યાત્રાનું કેન્દ્ર

મિત્રો, સોમનાથ મંદિરનો ઇતિહાસ માત્ર ભૂતકાળની કથા નથી – તે આજના ભારતની સહનશક્તિ, સંસ્કૃતિ અને એકતાનું દ્રષ્ટાંત છે.

જો તમે આ રીતે ગુજરાતની પૌરાણિક અને ઐતિહાસિક વારસાને ઊંડાણપૂર્વક સમજવા માંગતા હોવ, તો જોડાયેલા રહો

👉 [gujaratnivato.com] સાથે.

અસ્તુ. જય સોમનાથ!

 

જે વાનગીઓથી ગુજરાત વિશ્વભરમાં જાણીતુ બન્યુ છે શું તમે તેની શ્રેષ્ઠતમ જગ્યાઓ વિશે જાણો છો? જો ના તો ચાલો તે વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યાઓ જાણીએ…આપણી સંસ્કૃૃૃૃતિને સમજીએ.

ગુજરાત તેની અવનવી વાનગીઓથી વિશ્વભરમાં જાણીતું બન્યુ છે. ત્યારે આજે આપણે ગુજરાતની એવી વાનગીઓ વિશે વાત કરવાની છે. જે ગુજરાતની ઘરોહર સમી વિખ્યાતી ઘરાવે છે અને લોકો તેને ખૂબ જ પ્રેમથી આરોગે છેે. ગુજરાતની શ્રેષ્ઠતમ વાનગીઓ ગુજરાતની શ્રેષ્ઠતમ જગ્યાએ થી ખાવાની મજા કંઇક ઓર હોય છે.તો ચાલો જાણીએ આવી વાનગીઓ વિશે અને તેની શ્રેષ્ઠતમ જગ્યા વિશે….

૧. ખમણ 

ગુજરાતી નાસ્તામાં એવું કંઈક છે જે દિવસને મીઠી શરૂઆત આપે અને એમાં સૌથી ખાસ છે ચણાના લોટની સ્વાદિષ્ટ સુંદર વાનગી અને એ છે ખમણ મોઢામાં મુક્તાવેંત જ ઓગળી જાય એવું આ ખમણ એ ખાલી નાસ્તો નથી પણ દરરોજની સુગંધ છે જે આખો દિવસ આપણને આનંદ આપે છે. આ ખમણ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી વાનગી છે.

ખમણના લોકપ્રિય પ્રકારો

ગુજરાતમાં ખમણ ઘણા પ્રકારમાં મળે છે અને દરેક સ્વાદનું એક વિશિષ્ટ મહત્વ છે.

  • નાયલોન ખમણ – અત્યંત નરમ હળવું અને સહેજ લીમડાના વઘાર સાથે આ ખમણ બનાવવામાં આવે છે 
  • વાટી દાળ ખમણ- ચણાની દાળ પલાળીને બનતું અને શહેર નાયલોન ખમણ કરતા સહેજ વધારે કડક અને સ્વાદિષ્ટ 
  • અમીરી ખમણ – ખમણ ના ટુકડા ચટપટા મસાલા સાથે આ ખમણ બનાવવામાં આવે છે 
  • સેવ ખમણી – ખમણના ભૂકા ઉપર લીલી ચટણી દહીં અને સેવ ભભરાવીને આ સેવ ખમણી બનાવવામાં આવે છે. સેવ ખમણીની પણ ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા છે 

ગુજરાતની ખમણ ની દુકાનો કે જેનો સ્વાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને જેના ખમણ ખાવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે 

દાસ ખમણ હાઉસ અમદાવાદ.

અહીં વિવિઘ પ્રકારના અને વિવિઘ ફ્લેવર ઘરાવતા ખમણ તમને પીરસવામાં આવે છે. દાસ ખમણના ઘણા બઘા આઉટલેટ અમદાવાદમાં આવેલા છે અને તેની ખાસીયત એ છે કે દરેક જગ્યાએ તમને સમાન સ્વાદ આવે છે. તમે નજીકના કોઇ પણ આઉટલેટ ઉપર જઈને ખમણનો ટેસડો પાડી શકો છો.

૨. સુરતી લોચો 

પ્રોટીનથી ભરપૂર નહિવત તેલ અને ટેસ્ટી ટોપીંગથી ભરપૂર સ્વાદિષ્ટ અને જીભને ચસ્કો લગાડે એવી વાનગી એટલે સુરતી લોચો. 

ચણા અને અડદની દાળમાંથી બનતી આ વાનગી બપોરના કે સવારના નાસ્તામાં અને હલકું પણ સ્વાસ્થ્યપ્રદ રાત્રી ભોજનમાં પણ લઈ શકાય તેવી છે. 

લોચો બનવાનો ઇતિહાસ અને તેના નામ પાછળનું રહસ્ય

એક વખત એક રસોઈયો ખમણ બનાવતો હતો તે વખતે ખમણને પોચા બનાવવા માટે ભૂલથી વધારે પાણી રેડાઈ ગયુ જેનાથી આ વાનગી અસ્તિત્વમાં આવી હતી. 

તેણે જોયું કે પાણી વધુ પડી ગયું ત્યારે તેનાથી બોલાઈ ગયું “અરે આ તો લોચો થઈ ગયો” ત્યારથી તેનું નામ લોચો પડી ગયુ.

લોચાના ઘણા બધા પ્રકાર જોવા મળે છે 

જેમકે બટર લોચો, ચાટ લોચો, સેઝવાન લોચો, ચીઝ લોચો, પીઝા લોચો, લસણીયા લોચો ચાઈનીઝ લોચો વગેરે.

લોચા ની પ્રખ્યાત દુકાનો

  • ગોપાલ લોચો 

લોચા ની આ ફેમસ દુકાન સ્ટેશન રોડ, સીટી લાઈટ, અડાજણ ખાતે આવેલી છે. અહીંના વિવિધ ફ્લેવર્સ વાળા લોચો લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. 

  • જાની લોચો

પારલે પોઇન્ટ,સીટી લાઈટ ખાતે જ આ જાની લોચો દુકાન આવેલી છે. અહીં પણ લોકો અલગ અલગ લોચાનો આસ્વાદ માણીને આહલાદક અનુભવ કરે છે

૩. સેવ ઉસળ 

ઉસળ એ ફણગાવેલા કઠોળ થી બનાવેલી વાનગી છે ગુજરાતી અને મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તમને ઘણી સમાનતાઓ જોવા મળશે કારણ કે તે એકબીજામાંથી પ્રેરણા લે છે મહારાષ્ટ્રમાં ઉસળ ફણગાવેલા કઠોળ અને અન્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે સેવ ઉસળની આ રેસીપી મહારાષ્ટ્રીયન વાનગી  મિશળ પાવ અને ઉસળપાવનું રૂપાંતર છે.

ચટપટી અને રશાળ મસાલેદાર આ વાનગી બરોડામાં ખૂબ જ ફેમસ છે ચાલો જોઈએ ત્યાંની એક દુકાન કે જ્યાં સેવ ઉસળ ખાવા માટે લોકો લાઈન લગાવે છે. 

  • મહાકાળી સેવ ઉસળ 

નેહરુ ભવન, પ્રાથમિક પ્લાઝા, પેલેસ રોડ, કીર્તિ સ્તંભ ની પાછળ વડોદરા ખાતે આ મહાકાળી સેવ ઉસળ આવેલું છે. સવારના 8:30 થી રાત્રિના નવ વાગ્યા સુધી તેઓ સેવ ઉસળ વહેંચે છે.

૪. જલેબી- ગુજરાતની મીઠી ઓળખ

ગુજરાતના નાસ્તામાં જલેબી એ એવી વાનગી છે જે માત્ર મીઠાઈ નથી પણ લાગણી છે, ભાવના છે. રવિવારની સવારે જ્યારે ગુજરાતી ઘરોમાં ક્રિસ્પી જલેબી જ્યારે ઘીમાં તળવામાં આવે છે ત્યારે તેની સુગંધમાં ભૂખ અને યાદો બંને તરો તાઝા થાય છે અને ગરમાગરમ જલેબીની સાથે ફાફડા અને તરબોળ ચાસણી જ્યારે પલાળાય છે ત્યારે એક અનોખો અનુભવ કરાવડાવે છે. જલેબી એ માત્ર મીઠાઈ નથી પણ પ્રસંગ તહેવાર કે નવરાત્રિની રાત્રે એની સાથે જોડાયેલી ક્ષણો પણ છે. ઠંડીની ઋતુમાં તો ગરમ જલેબી સાથે દૂધ કે ઊંધિયું પણ ખાસ પસંદગી પામે છે હવે તો ફ્યુઝન જલેબી પણ માર્કેટમાં આવી છે જેમ કે ચોકલેટ જલેબી રબડી જલેબી જેવા નવતર વિકલ્પો પણ લોકો પસંદ કરી રહ્યા છે. તમારે પણ જો જલેબી થી મોઢું મીઠું કરવું હોય અને શ્રેષ્ઠ જલેબીનો સ્વાદ લેવો હોય તો લોકપ્રિય જલેબી ની દુકાન ની મુલાકાત જરૂર લો કારણ કે ગુજરાત જલેબી વગર અધૂરું છે.

ગુજરાતની પ્રસિદ્ધ જલેબી શોપ્સ 

  • ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ જામનગર 

વિશેષતા: સો વર્ષથી પણ વધુ જૂની હોટલ છે અને અહીંની જલેબી વિશ્વપ્રસિદ્ધ છે. 

  • લખનઉ જલેબી શોપ 

અમદાવાદના રાયપુરમાં આવેલી લખનઉ જલેબી શોપ અડદની દાળની જલેબી માટે ખૂબ જ ફેમસ છે.અમદાવાદના ફૂડ લવર્સની આ ફેવરિટ જગ્યા છે.

૫.ઢોકળા – નાસ્તામાં નરમાઈ અને સ્વાદનો પરિચય

ઢોકળા એ ગુજરાતનો એવી જાતનો નાસ્તો છે જે નરમાઈ અને રુચિનો સહેલું સંમેલન છે. ચણાની દાળ અથવા રવાને ખાટા પદાર્થો સાથે ભેળવીને વરાળમાં પકવવામાં આવે છે. ત્યારબાદ તેના પર વઘાર નાખીને લીલી મરચી અને ચટણી સાથે પીરસવામાં આવે છે – જે સ્વાદની એક એવી હારમોની છે કે જે દરેક ગુજરાતી માટે ખાસ છે.

અમદાવાદના મણિનગરમાં આવેલી કેટલીક લાઈવ ઢોકળાની દુકાનો, જેમ કે “ન્યૂ રજવાડી લાઈવ ઢોકળા”, અહીં ઢોકળા તાજા બનાવાય છે અને ત્યાંજ ગરમ પીરસાય છે. સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા જોવા મળે – એટલો લોકપ્રિય છે આ નાસ્તો

ઢોકળાના અનેક પ્રકાર છે: ખમણ ઢોકળા, રવા ઢોકળા, તીખા ઢોકળા કે નાસ્તાના ઢોકળા – દરેકમાં અલગ રીતે રસ અને રોમાંચ છુપાયેલો હોય છે. ઘરમાં બનાવો કે બહારથી લાવો – ઢોકળા ક્યારેય ભૂલાતા નથી.

જો તમારે ગુજરાતી નાસ્તાનો અસલ સ્વાદ માણવો હોય, તો એકવાર તાજા ઢોકળા જરૂર અજમાવો – મન ભરી જાય એવો અનુભવ મળશે.

આવી જ મજેદાર પોસ્ટ જોવા માટે જોડાયેલા રહો gujaratnivato.com સાથે. ઘન્યવાદ. અસ્તુ

જૂનાગઢ ના ઉપરકોટ ના કિલ્લા વિશે એ બધી જ બાબતો જે તમે જાણવા માગો છો.

જુનાગઢ એટલે સંત,સુરા અને દાતારની ભૂમિ. અહીં જોવા લાયક તો ઘણા બધા સ્થળો આવેલા છે તેમાના મુખ્ય સ્થળોની વાત કરીએ તો ભવનાથની તળેટી, ગિરનાર પર્વત, અશોકનો શિલાલેખ, સાસણગીર જંગલ સફારી, દામોદર કુંડ, નેમીનાથ જૈન દેરાસર અને ઘણું બધું આવેલું છે પણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા કિલ્લાની કે જે ઇતિહાસમાં હંમેશા અભેદ્ય રહ્યો છે અને ભારતના સૌથી મજબૂત કિલ્લાઓમાંનો એક છે તેનું નામ છે ઉપરકોટ નો કિલ્લો. તો ચાલો જાણીએ તેના રહસ્યો અને ઇતિહાસની વાતો.

ઇતિહાસની પાંખો નીચે છુપાયેલો રહસ્યમય કિલ્લો.

 આમ તો ઉપરકોટ નો ઇતિહાસ સાડા પાંચ હજાર વર્ષ કરતા પણ જુનો ઈતિહાસ છે સૌપ્રથમ અહીં રાહત નામનો એક પહાડ આવેલો હતો તેને તોડીને રાહત નગરી વસાવામાં આવેલી હતી એવું કહેવાય છે કે ત્રેતા યુગથી આ પહાડી આવેલો છે અને રાજા ઉગ્રસેન કે જેઓ કંસના પિતા હતા અને શ્રીકૃષ્ણ ભગવાનના નાના હતા તેમણે આ નગરી વસાવી હતી, આગળ જતા કાળક્રમે રાજાઓ બદલાતા ગયા અને ઉપરકોટ નિર્માણ પામ્યો પ્રવર્તમાન કિલ્લો જે છે એ ઇસવીસન પૂર્વે 319 માં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે અને આ કિલ્લા ની વિશેષતા એ છે કે આ કિલ્લાને આશરે ૧૬ વખત ઘેરવામાં આવ્યો છે અને દરેક વખતે તે અભેદ્ય રહ્યો છે એટલો સુરક્ષિત આ કિલ્લો છે.

આ કિલ્લા માટે એવું કહેવાય છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીને હાંસલ કરવા માટે અહીં 12 વર્ષ સુધી ઘેરો કર્યો હતો અને છતાં પણ તે અભેદ્ય રહ્યો હતો. છેવટે તેણે અનાજ લેવા કિલ્લાની બહાર આવેલા બે વ્યક્તિને લાલચ આપીને કિલ્લામાં પ્રવેશ કર્યો હોવાનું માનવામાં આવે છે. ચાલો આ કિલ્લાના અદભુત સ્થાપત્ય અને અંદરની રચનાઓની જાણકારી મેળવીએ

સ્થાપત્ય અને અંદરની રચનાઓ

આ કિલ્લાનો સ્થાપત્ય અદભુત રીતે બનાવવામાં આવ્યું છે તેની સંરચના બહુ બારીકાઈથી અને સ્ટ્રેટેજીકલી બનાવવામાં આવી છે તેની દીવાલો ઊંચી અને મજબૂત બનાવવામાં આવી છે અંદરના સ્થાપત્યમાં વાત કરીએ તો 

૧.માણેક તોપ અને નીલમ તોપ 

આ બંને તો૫ો પંચધાતુની બનેલી તોપો છે અને કાળઝાળ ગરમીમાં પણ એને તમે અડો તો પણ ગરમ ના લાગે એવી ધાતુની બનાવટ છે.આ બંને તોપો ઈરાનથી આવેલી છે. તેમાંથી માણેક તોપ ની રેન્જ 200 મીટરની છે અને નીલમ તોપ ની રેન્જ 500 મીટર ની છે. આ બંને તોપો મોહમ્મદ બેગડા દ્વારા દીવ થી અહીંયા લાવેલી છે એવું માનવામાં આવે છે કે મોહમ્મદ બેગડા દ્વારા 24 કલાકમાં બે ગઢ જીતવામાં આવ્યા હોવાથી તેને દીવના રાજાએ ઈરાનથી જે તોપો આવેલી છે તે ભેટમાં આપેલી હતી. અહીં માણેક તો૫ અને નીલમ તો૫ સિવાય ઈસ.1530 માં સુલતાન શાહ દ્વારા લાવેલી બિન સિરાજ તોપ પણ આવેલી છે.

૨. રાણકદેવી મહેલ 

અહીં ઘણા બધા કક્ષ વાળો અને અદભુત કોતરણી ધરાવતો રાણકદેવી મહેલ પણ આવેલો છે જેની તસવીર તમે જોઈ શકો છો.

૩. અનાજ ભંડાર 

અહીં અનાજ ભરવા માટે 13 ભાગમાં મોટા મોટા કોઠારો બનાવવામાં આવ્યા હતા અને તેમાં આશરે 12 વર્ષ ચાલી શકે તેટલું અનાજ ભરવામાં આવતું હતું. તમે તસ્વીરમાં જોઈ શકો છો કેટલું સુંદર આયોજનથી આ અનાજ ભંડાર બનાવવામાં આવ્યા છે.

૪. નવઘણ કુવો 

નવઘણ કુવા નું વાસ્તુશાસ્ત્ર અને કોતરણી જોઈને આશ્ચર્ય થાય તેવો કુવો છે.નવઘણ કુવો આશરે 180 ફૂટ ઊંડો હોવાનો માનવામાં આવે છે અને આ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ધ્યાન રાખીને બનાવવામાં આવેલો કૂવો છે.

૫. અડી કડી વાવ 

મિત્રો આ અડી અને કડી બે વાવ અહીં આવેલી છે બંને વાવ અડી અને કડી ત્યાં કામ કરવામાં આવતી દાસીઓના નામે રાખવામાં આવ્યું છે કે જે અહીં દરરોજ પાણી ભરવા આવતી.બંને વાવ પાણીનો ભરપૂર સ્ત્રોત એ વખતે હતો અને અહીં જ શ્રવણનો જન્મ થયો હોવાનો મનાય છે. એ સિવાય એક લશ્કરી વાવ પણ અહીં આવેલી છે

૬. ગિરનાર દરવાજો અને ચૂના ચક્કી 

અહીં એક ગિરનાર દરવાજો આવેલો છે જ્યાંથી એ સમયે લોકો સીધા જ ગિરનાર તરફ જઈ શકતા હતા તેની તસવીર તમે જોઈ શકો છો અને અહીં એક બહુ મોટી ચક્કી આવેલી છે. આ ચક્કીનો ઉપયોગ અનાજ દળવામાં થયો હશે કે કેમ તેનો અંદાજ મળતો નથી.

૭. નવાબી તળાવ 

ઉપરકોટના કિલ્લાની અંદર ચોરસ આકારનું નવાબી તળાવ આવેલું છે આ તળાવ પાણીની વ્યવસ્થા રૂપે અહીં બનાવવામાં આવેલું છે લાંબા સમય સુધી જો પાણી પૂરું પાડવું હોય તો પણ સમગ્ર કિલ્લા ના લોકોને પાણીની વ્યવસ્થા મળી શકે તે માટે આ તળાવ બનાવવામાં આવેલું છે.

મિત્રો આવી જ રસપ્રદ માહિતીઓ ઇતિહાસ, સાહિત્ય અને ગુજરાતની અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહો GujaratNiVato.com સાથે

ધન્યવાદ અસ્તુ.