સુરજથી ધન સાંપડે,
સુરજથી ધણ હોય,
સુરજનું સમરણ કરે,
એને દોખી ન લંજે કોઈ
ગુજરાતના અનેક રાજવંશો માટે ભગવાન આદિત્ય એટલે કે સૂર્ય દેવ આરાધ્ય રહેલા છે. એવા ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલું નવલખો મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર ગણાય છે. આ મંદિરનો નિર્માણકાળ 11મી થી 12મી સદી વચ્ચેનો હોવાનું મનાય છે અને તે પોરબંદરના જેઠવા રાજવંશ દ્વારા બનાવાયું હોવાનું ઈતિહાસ દર્શાવે છે.
જો કે ઘણા સંશોધકો માને છે કે નવલખો મંદિર મૂળરૂપે સૂર્ય મંદિર નહોતું પરંતુ શિવ મંદિર હતું, તેમ છતાં આ મંદિરનું સ્થાપત્ય અને તેનું શિલ્પકામ અત્યંત મહત્વપૂર્ણ છે. આ મંદિરને સોલંકી યુગના સ્થાપત્યનું ઉત્તમ દ્રષ્ટાંત માનવામાં આવે છે. ખાસ કરીને તેનું બે માળનું મંડપ અને સૌથી ઊંચી પીઠ તેને અનન્ય બનાવે છે.
મંદિરના ભિંતચિત્રો પર નૃત્યાંગનાઓ, સંગીતકારો અને યોદ્ધાઓનાં અદ્વિતીય શિલ્પો ઊંડાણથી કંડારાયેલા છે. બહારની દિવાલ પર સૂંઢમાં સૂંઢ પરોવાયેલા ત્રણ હાથી યુગ્મો આકર્ષણનું કેન્દ્ર છે. કહેવાય છે કે આ મંદિરના નિર્માણ માટે નવ લાખ રૂપિયાનું ખર્ચ કરાયો હતો, જેનાથી તેને “નવલખો મંદિર” નામ મળ્યું.
આ મંદિરનો પાયો ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો છે – તેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 45.72 મીટર x 30.48 મીટર છે. પૂર્વ દિશામાં એક સુંદર પ્રવેશ કમાન હતું, જેને કીર્તિ તોરણ કહેવામાં આવતું, પણ આજે તે નષ્ટ થઈ ગયું છે.
મંદિરના ભાગોમાં આવૃત પ્રદક્ષિણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને ત્રણ શૃંગાર ચોકીઓનો સમાવેશ થાય છે. ત્રણે બાજુ ચાલવાના માર્ગ પર ઝરૂખાઓ આવેલા છે. મંડપને આધાર આપતાં સ્તંભ આઠબાજુના છે અને દરેક ખૂણે દ્રશ્યમય શિલ્પકામ જોવા મળે છે. મંદિરનું પ્રવેશદ્વાર બે માળનું છે, જે દુર્લભ સ્થાપત્યનું ઉદાહરણ છે.
મંદિરની પાછળ, હાથીઓ વચ્ચે યુદ્ધ દર્શાવતાં વિશાળ શિલ્પો છે. ભદ્રગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમ બાજુએ શિવ-પાર્વતી અને ઉત્તર બાજુએ લક્ષ્મી-નારાયણની મૂર્તિઓ સ્થાપિત છે.
ઘુમલીનું નવલખો મંદિર સ્થાપત્યની દૃષ્ટિએ સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરની સરખામણીમાં ઉતરે છે. આ મંદિર “મારુ ગુર્જર” અથવા “સોલંકી શૈલી”માં બાંધવામાં આવ્યું છે. મંદિરના હાથીઓના ઘૂસેલા દાંતોના શિલ્પો આ શૈલીની વિશેષતા દર્શાવે છે.
મુખ્ય મંદિરની બહાર આવેલું ઘૂમલી ગણેશ મંદિર, દસમી સદીમાં નિર્મિત ગણાય છે અને તે પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
દુઃખદ ઘટના એ છે કે ઈ.સ. 1313માં જામ બામણીયાજીએ તેમના પિતા જામ ઉણાજીની હારનો બદલો લેવા માટે ઘુમલી પર આક્રમણ કર્યું હતું, જેના કારણે આ મંદિરનો નાશ થયો.
આવા ઐતિહાસિક વારસાને જાળવવી આપણી જવાબદારી છે. અફસોસની વાત છે કે આપણે ઘણા સૂર્ય મંદિરો ગુમાવી ચૂક્યા છીએ. ઘુમલીનું નવલખો સૂર્ય મંદિર(Navlakho temple ghumali), જે ગુજરાતના સૌથી પ્રાચીન અને ભવ્ય મંદિરોમાંથી એક છે, તેની રક્ષા માટે આપણને સતત જાગૃત રહેવું જરૂરી છે.
આવી જ ઐતિહાસીક પોસ્ટ વાંચવા માટે GujaratniVato.com ની મુલાકાત લેતા રહો. અસ્તુ. જય હિન્દ