Forts Of Gujarat

પ્રસ્તાવના

જુનાગઢ એટલે સંત,સુરા અને દાતારની ભૂમિ. અહીં જોવા લાયક તો ઘણા બધા સ્થળો આવેલા છે તેમાના મુખ્ય સ્થળોની વાત કરીએ તો ભવનાથની તળેટી, ગિરનાર પર્વત, અશોકનો શિલાલેખ, સાસણગીર જંગલ સફારી, દામોદર કુંડ, નેમીનાથ જૈન દેરાસર અને ઘણું બધું આવેલું છે પણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા કિલ્લાની કે જે ઇતિહાસમાં હંમેશા અભેદ્ય રહ્યો છે અને ભારતના સૌથી મજબૂત કિલ્લાઓમાંનો એક છે તેનું નામ છે ઉપરકોટ નો કિલ્લો. તો ચાલો જાણીએ તેના રહસ્યો અને ઇતિહાસની વાતો.

ઇતિહાસની પાંખો નીચે છુપાયેલો રહસ્યમય કિલ્લો.

 આમ તો ઉપરકોટ નો ઇતિહાસ સાડા પાંચ હજાર વર્ષ કરતા પણ જુનો ઈતિહાસ છે સૌપ્રથમ અહીં રાહત નામનો એક પહાડ આવેલો હતો તેને તોડીને રાહત નગરી વસાવામાં આવેલી હતી એવું કહેવાય છે કે ત્રેતા યુગથી આ પહાડી આવેલો છે અને રાજા ઉગ્રસેન કે જેઓ કંસના પિતા હતા અને શ્રીકૃષ્ણ ભગવાનના નાના હતા તેમણે આ નગરી વસાવી હતી, આગળ જતા કાળક્રમે રાજાઓ બદલાતા ગયા અને ઉપરકોટ નિર્માણ પામ્યો પ્રવર્તમાન કિલ્લો જે છે એ ઇસવીસન પૂર્વે 319 માં મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે અને આ કિલ્લા ની વિશેષતા એ છે કે આ કિલ્લાને આશરે ૧૬ વખત ઘેરવામાં આવ્યો છે અને દરેક વખતે તે અભેદ્ય રહ્યો છે એટલો સુરક્ષિત આ કિલ્લો છે.

આ કિલ્લા માટે એવું કહેવાય છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીને હાંસલ કરવા માટે અહીં 12 વર્ષ સુધી ઘેરો કર્યો હતો અને છતાં પણ તે અભેદ્ય રહ્યો હતો. છેવટે તેણે અનાજ લેવા કિલ્લાની બહાર આવેલા બે વ્યક્તિને લાલચ આપીને કિલ્લામાં પ્રવેશ કર્યો હોવાનું માનવામાં આવે છે. ચાલો આ કિલ્લાના અદભુત સ્થાપત્ય અને અંદરની રચનાઓની જાણકારી મેળવીએ

સ્થાપત્ય અને અંદરની રચનાઓ

આ કિલ્લાનો સ્થાપત્ય અદભુત રીતે બનાવવામાં આવ્યું છે તેની સંરચના બહુ બારીકાઈથી અને સ્ટ્રેટેજીકલી બનાવવામાં આવી છે તેની દીવાલો ઊંચી અને મજબૂત બનાવવામાં આવી છે અંદરના સ્થાપત્યમાં વાત કરીએ તો 

૧.માણેક તોપ અને નીલમ તોપ 

આ બંને તો૫ો પંચધાતુની બનેલી તોપો છે અને કાળઝાળ ગરમીમાં પણ એને તમે અડો તો પણ ગરમ ના લાગે એવી ધાતુની બનાવટ છે.આ બંને તોપો ઈરાનથી આવેલી છે. તેમાંથી માણેક તોપ ની રેન્જ 200 મીટરની છે અને નીલમ તોપ ની રેન્જ 500 મીટર ની છે. આ બંને તોપો મોહમ્મદ બેગડા દ્વારા દીવ થી અહીંયા લાવેલી છે એવું માનવામાં આવે છે કે મોહમ્મદ બેગડા દ્વારા 24 કલાકમાં બે ગઢ જીતવામાં આવ્યા હોવાથી તેને દીવના રાજાએ ઈરાનથી જે તોપો આવેલી છે તે ભેટમાં આપેલી હતી. અહીં માણેક તો૫ અને નીલમ તો૫ સિવાય ઈસ.1530 માં સુલતાન શાહ દ્વારા લાવેલી બિન સિરાજ તોપ પણ આવેલી છે.

૨. રાણકદેવી મહેલ 

અહીં ઘણા બધા કક્ષ વાળો અને અદભુત કોતરણી ધરાવતો રાણકદેવી મહેલ પણ આવેલો છે જેની તસવીર તમે જોઈ શકો છો.

૩. અનાજ ભંડાર 

અહીં અનાજ ભરવા માટે 13 ભાગમાં મોટા મોટા કોઠારો બનાવવામાં આવ્યા હતા અને તેમાં આશરે 12 વર્ષ ચાલી શકે તેટલું અનાજ ભરવામાં આવતું હતું. તમે તસ્વીરમાં જોઈ શકો છો કેટલું સુંદર આયોજનથી આ અનાજ ભંડાર બનાવવામાં આવ્યા છે.

૪. નવઘણ કુવો 

નવઘણ કુવા નું વાસ્તુશાસ્ત્ર અને કોતરણી જોઈને આશ્ચર્ય થાય તેવો કુવો છે.નવઘણ કુવો આશરે 180 ફૂટ ઊંડો હોવાનો માનવામાં આવે છે અને આ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ ધ્યાન રાખીને બનાવવામાં આવેલો કૂવો છે.

૫. અડી કડી વાવ 

મિત્રો આ અડી અને કડી બે વાવ અહીં આવેલી છે બંને વાવ અડી અને કડી ત્યાં કામ કરવામાં આવતી દાસીઓના નામે રાખવામાં આવ્યું છે કે જે અહીં દરરોજ પાણી ભરવા આવતી.બંને વાવ પાણીનો ભરપૂર સ્ત્રોત એ વખતે હતો અને અહીં જ શ્રવણનો જન્મ થયો હોવાનો મનાય છે. એ સિવાય એક લશ્કરી વાવ પણ અહીં આવેલી છે

૬. ગિરનાર દરવાજો અને ચૂના ચક્કી 

અહીં એક ગિરનાર દરવાજો આવેલો છે જ્યાંથી એ સમયે લોકો સીધા જ ગિરનાર તરફ જઈ શકતા હતા તેની તસવીર તમે જોઈ શકો છો અને અહીં એક બહુ મોટી ચક્કી આવેલી છે. આ ચક્કીનો ઉપયોગ અનાજ દળવામાં થયો હશે કે કેમ તેનો અંદાજ મળતો નથી.

૭. નવાબી તળાવ 

ઉપરકોટના કિલ્લાની અંદર ચોરસ આકારનું નવાબી તળાવ આવેલું છે આ તળાવ પાણીની વ્યવસ્થા રૂપે અહીં બનાવવામાં આવેલું છે લાંબા સમય સુધી જો પાણી પૂરું પાડવું હોય તો પણ સમગ્ર કિલ્લા ના લોકોને પાણીની વ્યવસ્થા મળી શકે તે માટે આ તળાવ બનાવવામાં આવેલું છે.

મિત્રો આવી જ રસપ્રદ માહિતીઓ ઇતિહાસ, સાહિત્ય અને ગુજરાતની અવનવી વાતો જાણવા માટે જોડાયેલા રહો GujaratNiVato.com સાથે

ધન્યવાદ અસ્તુ.