પ્રસ્તાવના
ગુજરાત માં સ્થિત રાણીની વાવ પાટણ એ ભારતની સૌથી અદભુત વાવો માંથી એક છે. તે માત્ર વાવ જ નહીં પરંતુ પ્રેમની નિશાની છે જેને એક રાણીએ પોતાના પતિની યાદમાં બનાવડાવી હતી. 11 મી સદીમાં બનેલ આ વાવની અંદર ઉપયોગ થયેલ ટેકનોલોજીને જોઈને તમે પણ દંગ રહી જશો.

જેવી રીતે ગાંધીનગર એ આજે ગુજરાતનું કેપિટલ છે તેવી જ રીતે પાટણ એ ચાવડા વંશ ના સમયે ગુજરાતનું કેપિટલ હતું. સૌપ્રથમ આપણે વાત કરીએ પાટણની તો પાટણનું જૂનું નામ અણહિલવાડ પાટણ હતું. આ અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ તેના મિત્ર અણહિલ નામના ભરવાડ ના નામ પરથી ઈસવીસન 546 માં કરી હતી. અણહીલ કોણ હતો તો અણહિલ એ વનરાજ ચાવડા નો મિત્ર હતો જેણે વનરાજ ચાવડા માટે ખૂબ જ સારું કાર્ય કર્યું હતું. સમયાંતરે આ અણહિલવાડ પાટણ અપભ્રંશ થઈને પાટણ થઈ ગયું. ચાવડા વંશે ગુજરાતમાં 200 વર્ષ શાસન કર્યું. ચાવડા વંશ નો છેલ્લો રાજા હતો સામંતસિંહ ચાવડા. સામંતસિંહ ચાવડાને કોઈ પુત્ર ન હતો તેથી તેમના પોતાની બહેનના દીકરો એટલે કે ભાણાને ગાદી ઉપર બેસાડ્યો હતો જેનું નામ હતું મૂળરાજ સોલંકી. સોલંકી એટલે કે સોલંકી એટલે કે ચૌલુક્ય. સોલંકી વંશે ગુજરાતમાં 350 વર્ષ શાસન કર્યું અને નોંધપાત્ર વિકાસ કર્યો તેથી સોલંકી વંશને ગુજરાતનું સુવર્ણકાળ માનવામાં આવે છે. સોલંકી વંશનો પ્રથમ રાજા થયો મૂળરાજ સોલંકી તેનો પુત્ર હતો ચામુંડરાજ, ચામુંડરાજ નો પુત્ર નાગરાજ અને ત્યારબાદ ભીમદેવ સોલંકી પહેલો જેણે મોઢેરાનું સૂર્યમંદિર બનાવડાવ્યું હતું.
ઇતિહાસ
પાટણની રાણીની વાવ રાણી ઉદયમતીએ બનાવડાવી હતી. રાણીએ ઉદયમતીએ બનાવડાવી હોવાથી તેને રાણીની વાવ કહેવામાં આવે છે.
રાણીની વાવ ક્યારે બની???
તો રાણીની વાવ ઇસવીસન 1022 થી 1063 વચ્ચે બનાવવામાં આવી હતી. આ વાવને બનાવવામાં 41 વર્ષો થયા હતા. તેથી આ વાવને 1000 વર્ષ 2022માં પૂરા થઈ ગયા. મોટાભાગે રાજા પોતાની રાણીના માટે આવું મોનીમેન્ટ બનાવતા હોય છે, પરંતુ અહીં ઊલટું છે. અહીં રાણીએ પોતાના રાજાની યાદમાં આ મોનિમેન્ટ બનાવ્યું હતું. રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ સોલંકી પહેલાની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.
રાણી એ વાવ જ કેમ બંધાવી??
રાણીએ વાવજ કેમ બંધાવી તો એના ત્રણ કારણો છે.
પહેલું છે રાજસ્થાન અને ગુજરાતમાં આપણે જોઈશું તો ત્યાં વાવ વધુ જોવા મળે છે કારણ કે જ્યાં પાણીની કમી હોય છે ત્યાં વધુને વધુ પાણી સ્ટોર કરી શકાય તે માટે વાવ,કુવા વગેરે બનાવવામાં આવે છે.
બીજું કે પહેલા રાજાઓના મૃત્યુ બાદ રાણી સતી થતી હતી પરંતુ અહીં રાણી સતી ન થઈ પરંતુ પોતાના પતિની યાદમાં વાવનું નિર્માણ કર્યું અને સતીપ્રથાનો વિરોધ કર્યો.
ત્રીજું કે તેના પતિની કીર્તિ અમર રહે અને પ્રેમનો પ્રતીક જળવાઈ રહે તે માટે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વાસ્તુકલા અને વિશેષતા
રાણીની વાવનું આખું સ્ટ્રક્ચર સેન્ડ સ્ટોનથી બનાવવામાં આવ્યું છે.આ સેન્ડસ્ટોન ગુજરાતના સૌરાષ્ટ્રના ધાંગધ્રા કે જે પાટણથી 200 કિલોમીટર દૂર છે ત્યાંથી લાવવામાં આવેલ છે. આખું સ્ટ્રક્ચર ઇન્ટરલોક સ્ટોન લોકિંગ સિસ્ટમથી બનાવવામાં આવ્યું છે.તે એવું લોકિંગ સિસ્ટમ છે જેમાં જે પિલર ઊભા છે તેમાં મેલ ફીમેલ એક પથ્થરમાં હોલ કરીને બીજો પથ્થર તેમાં ફિટ કરવામાં આવે છે. તેમાં સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવતો નથી. વચ્ચેના ભાગમાં વુડલોકિંગ કરવામાં આવે છે બે પથ્થરોની વચ્ચેના ગેપમાં સાત અથવા સીસમનું લાકડું ફીટ કરવામાં આવે છે જે વરસાદ આવવાથી એક્સટેન્ડ થાય તો પણ બહાર નહીં નીકળે અને જો ભૂકંપ આવશે તો પણ સ્ટ્રક્ચર વાઇબ્રેટ થશે પણ એક પણ પથ્થર પડશે નહીં 2001 માં ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ આખું સ્ટ્રકચર વાઇબ્રેટ થયું હતું પરંતુ એક પણ પથ્થર પડ્યો ન હતો.

આ વાવ 64 મીટર લાંબી અને 20 મીટર પહોળી છે ઉપરથી કુવો 27 મીટર ઊંડો છે. મુખ્યત્વે વાવના ચાર પ્રકાર હોય છે. જયા વિજયા નંદી અને ભદ્રા. આ વાવ નંદી પ્રકારની છે એટલે કે આપણે જ્યાંથી અંદર જઈએ ત્યાંથી જ બહાર આવવું પડે છે. તમે લોકોએ ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવ જોઈ હશે તે ભદ્રા પ્રકારની વાવ છે જેમાં અંદર ગયા બાદ બહાર આવવા માટે બે રસ્તાઓ હોય છે. તેને વીર સિંહ વાઘેલા એ પોતાની રાણી રૂડાવતી માટે 1499 માં બનાવડાવી હતી.
રાણીની વાવ નંદી પ્રકારની વાવ છે જેના શિખર ની ડિઝાઇન નાગર પ્રકારની છે જેને મારું ગુર્જર શૈલી પણ કહેવામાં આવે છે અને સંપૂર્ણ વાવ વાસ્તુશાસ્ત્રના આધારે બનાવવામાં આવી છે જેમાં અષ્ટ દિગપાલ દર્શાવવામાં આવ્યા છે. રાણી ઉદયમતીએ તેની નક્કાશીમાં પોતાના કારીગરો પાસે તાલમેલ કરાવ્યો છે.
વાવમાં આવેલી મૂર્તિઓની વિશેષતા.
અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર દર્શાવવામાં આવ્યા છે. અહીં 299 અપ્સરાઓની મૂર્તિઓ તથા તેમને તે સમયની નારીઓની જે મેકઅપ સ્ટાઇલ છે,હેર સ્ટાઈલ છે 16 પ્રકારના સિંગાર અને આંખમાં કાજળ લગાવવું વગેરે કરતી દેખાડવામાં આવી છે. જે તે સમયે વાવ સાત માળની હતી તેમાંથી એક માળ તૂટી ગયો છે અત્યારે છ માળની વાવ બચી છે 13 મી સદીમાં સરસ્વતી નદીમાં પુર આવવાથી આખું સ્ટ્રક્ચર તૂટી ગયું છે. એટલે વાવનો ઉપરનો થોડો ભાગ નવો બનાવવામાં આવ્યો છે.

એક મૂર્તિ માં શિવ પાર્વતી ને તેમનો મોટો પુત્ર કાર્તિકેય પોતાના માતા પિતાને પ્રણામ કરી રહ્યો છે તેમના પગમાં મોરનું ચિન્હ છે કારણ કે કાર્તિકેયનું વાહન મોરને ગણવામાં આવે છે.
અન્ય એક મૂર્તિ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે જેમાં તેમની બાજુમાં કમળ હાથમાં લઈને લક્ષ્મીજી ઊભા છે.
બંને બાજુ ઉત્તર- પશ્ચિમ ખૂણામાં વાયુદેવ પોતાની પત્ની સાથે ઊભા છે તેમના પગમાં હરણ છે. આજે પણ આપણા ઘરની બારીઓ હવા ઉજાસ માટે ઉત્તર પશ્ચિમ બનાવીએ છીએ.
બંને બાજુ દક્ષિણ પૂર્વ બાજુએ અગ્નિ દેવતા ની મૂર્તિઓ છે જેમના પગમાં ઘેટું છે આજે પણ વાસ્તુ પ્રમાણે રસોડું અગ્નિ ખૂણામાં હોય છે.
ભગવાન વિષ્ણુ નો કલકી અવતાર દેખાડવામાં આવ્યો છે જેમને પગમાં ગમબૂટ પહેર્યા છે. એ સિવાય એક અપ્સરા ના પગમાં હીલ વાળા ચપ્પલ પણ જોવા મળે છે.

હનુમાનજીની મૂર્તિ છે જેમાં બંને પનોતીઓને ભગવાન હનુમાનજીએ તેમના પગની નીચે દબાવીને રાખે છે. તેથી આપણે આપણી પનોતીઓ દૂર કરવા માટે હનુમાનજી મહારાજનું સ્મરણ કરવું જોઈએ.
પૂર્વ બાજુએ ભગવાન ઈન્દ્રની મૂર્તિ છે તેમનું વાહનૈરાવત હાથી છે તેથી તેમના પગ પાસે હાથીની મૂર્તિ છે.
એક પગથીયા ઉપર દરેક પિલર જે વાવના બનાવેલા છે તેની બ્લુ પ્રિન્ટ દોરવામાં આવી છે. તેમાં ઇન્ટરલોકિંગ સિસ્ટમને સ્પષ્ટ રીતે સમજી શકાય છે.
એક બારીમાં ભગવાન વિષ્ણુ સ્વર્ગમાં સુતા છે. અહીં ભગવાન વિષ્ણુની ત્રણ મૂર્તિઓ છે જેમાં સ્વર્ગ ભૂમિ અને પાતાળ એમ ત્રણ લોકમાં ભગવાન વિષ્ણુને સુતા બતાવ્યા છે એટલે કે અનંત પદ્મનાભ.
રાણીની વાવમાં કુલ 299 અક્ષર આવો છે એક અપ્સરા આંખમાં કાજળ કરી રહી છે જે દર્શાવે છે કે તે સમયે સ્ત્રીઓ શૃંગાર કરતી હશે. એક અપ્સરા ના ખોળામાં એક બાળક રમી રહ્યું છે જે માતૃપ્રેમ દર્શાવે છે.
એક મૂર્તિ ચામુંડેશ્વરી માતા ની છે જેમના હાથમાં ત્રિશૂળ છે. એ સિવાય વિષ્ણુ ભગવાનની ચાર મૂર્તિઓ જેમના હાથમાં ગદા, શંખ, ચક્ર અને પદ્મ છે તેવી આવેલી છે.

તેનાથી નીચેની સાઈડ ચોરસમાં વિવિધ ભાત પાડવામાં આવી છે પાટણના પટોળા ની ભાત એટલે કે ડિઝાઇન તેમાંથી જ લેવામાં આવી છે તેથી તેને પાટણના પટોળા ની ડિઝાઇન કહેવામાં આવે છે.
ભગવાન વિષ્ણુના રામા અવતાર પણ અહીં સ્પષ્ટ દેખાય છે તેમની આજુબાજુ દશાવતાર દર્શાવવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુના વામન અવતારની મૂર્તિ પણ અહીં જોવા મળે છે.


વિષ્ણુ ભગવાનનો વરાહ અવતાર તેમની આજુબાજુ ભૂમિ માતા સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળે છે. પાતાળની નાગ કન્યા પણ આજમૂર્તિમાં જોવા મળે છે.

કાળભૈરવની મૂર્તિઓ પણ છે જેમના પગમાં કુતરાની મૂર્તિ છે.
એક વિષ કન્યા ની મૂર્તિ છે કે જેના પગમાં સાપ બતાવવામાં આવ્યો છે. ચાણક્ય નીતિમાં પણ આ વિષ કન્યાનો ઉલ્લેખ છે. જે રાજાને પોતાના મોહમાં ફસાવીને વિષ આપીને મૃત્યુ દંડ આપે છે.
ભગવાન કૃષ્ણની સાથે બલરામજી ની એક મૂર્તિ છે જેમના મસ્તિષ્ક ની પાછળ શેષનાગ છે હાથમાં કમળ છે હળ છે અને દંડ છે.
મહાભારત સમયના કીચકની મૂર્તિ પણ અહીં દર્શાવવામાં આવી છે કે જેનો વધ ભીમ દ્વારા કરવામાં આવ્યો હતો. અને બધા જ પીલરમાં પવિત્ર કળશની કોતરણી જોવા મળે છે.
યુનેસ્કો
માત્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં આ એકમાત્ર મોન્યુમેન્ટ એવું છે જેને રાણીએ પોતાના પતિની યાદમાં બનાવ્યું હતું.
સો રૂપિયાની નવી નોટ ઉપર પણ રાણી ની વાવનું પ્રતીક ભારત સરકાર દ્વારા છાપવામાં આવ્યું છે. આ સિમ્બોલ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આ મોન્યુમેન્ટ એક રાણીએ બનાવડાવ્યું છે અને તેને 100 ની નોટમાં રાખવાનું કારણ એ છે કે હંમેશા નારીનું ગૌરવ વધે હંમેશા નારીનું સન્માન થાય એટલા માટે 100 ની નોટ ઉપર તેને આપવામાં આવ્યું છે.
અહીંથી બે કિલોમીટર દૂર સરસ્વતી નદી હોવાનું માનવામાં આવે છે જે લુપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેરમી સદીમાં સરસ્વતી નદીમાં બહુ મોટું પુર આવ્યું હતું જેમાં આખું સ્ટ્રકચર જમીનમાં ઘસી ગયું હતું. માત્ર કુવાનું સ્ટ્રક્ચર ખુલ્લું હતું બાકીનું સ્ટ્રક્ચર જમીનમાં ઘસી ગયું હતું. અત્યારે આજુબાજુ જે બગીચો છે ત્યાં ખેડૂતોના ખેતરો હતા તે લોકો આ કુવામાંથી કોશ દ્વારા પાણીનો ઉપયોગ જમીનમાં સિંચાઈ કરવા માટે કરતા હતા. પરંતુ ખેડૂતોને ખબર ન હતી કે નીચે આખું સ્ટ્રક્ચર દબાયેલું છે. ASI એ તેના ઉપર રિસર્ચ કર્યું અને ASI એ 1958 થી ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું અને 1990 માં પૂરું કર્યું. બનવામાં 42 વર્ષો થયા અને ખોદકામ કરવામાં 32 વર્ષો થયા. 22 જૂન 2014 ના દિવસે વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કોમાં તેને સ્થાન મળ્યું.યુનેસ્કોની ઓફીસીયલ સાઈટ https://whc.unesco.org/en/list/922/ ઉપર પણ તમે એ જોઈ શકશો. એ સિવાય પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર પાવાગઢ ને 2004માં દરજ્જો મળ્યો હતો અને અમદાવાદ સિટીને 2017માં વર્લ્ડ હેરિટેજ સિટી નો દરજ્જો મળ્યો છે.

ટ્રાવેલ ગાઈડ
અહીં કેવી રીતે પહોંચવું??
રાણીની વાવ એ અમદાવાદથી 132 કિલોમીટર દૂર પાટણ જિલ્લાના વડા મથક માં આવેલી છે. અહીં સુધી જવા માટે સરકારી વાહનો પણ મળી રહે છે તથા પ્રાઇવેટ વહીકલ લઈને પણ જઈ શકાય છે.
ટાઈમિંગ્સ અને ફી
રાણીની વાવ સામાન્ય રીતે સવારે 8:00 થી સાંજે છ વાગ્યા સુધી ખુલી રહે છે તથા તેને જોવા માટે ની ટિકિટ માત્ર ₹40 ઇન્ડિયન માટે અને ₹600 ફોરેનર્સ માટે રાખવામાં આવ્યા છે. તેને જોવા જવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો ગણાય છે કારણ કે ત્યારે વાતાવરણ એકદમ સોમ્ય હોય છે.
19 નવેમ્બરે દર વર્ષે વર્લ્ડ હેરિટેજ વિકમાં અહીં ખૂબ જ સુંદર લાઇટિંગ ગોઠવવામાં આવે છે તો દરેક ટુરિસ્ટ એ આ અઠવાડિયામાં રાણીની વાવ જોવા માટે જરૂર સુંદર સમય ગણી શકાય.
સારાંશ
રાણીની વાવ એ વિશ્વનું એક અદભુત મોન્યુમેન્ટ છે જેને દરેક ટુરીસ્ટે એક વખત વિઝીટ કરવા જેવું છે જેની અદભુત કોતરણી એ ભારતના અમૂલ્ય વારસો અને ક્યાંય પણ જોવા ન મળે તેવી ટેકનોલોજી નો અદભુત સંગમ છે. તેની આજુબાજુ માત્ર સો કિલોમીટર ની રેન્જમાં પટોળા હાઉસ,સહસ્ત્રલિંગ તળાવ અને મોઢેરાનું સૂર્યમંદિર જેવા જોવાલાયક સ્થળો પણ આવેલા છે.

