દ્વારકાઘીશમંદિરનો ઈતિહાસ :
દ્વારકા એટલે ચારધામમાંથી એક ધામ, દ્વારકા એટલે સપ્તપુરી માંથી એક પૂરી, દ્વારકા એટલે કરોડો લોકોની આસ્થાનો સંગમ દ્વારકા એટલે જગતના અધિપતિ શ્રી કૃષ્ણનુ પરમધામ અને અહીં આવેલું છે જગતપતિ શ્રીકૃષ્ણનું જગત મંદિર. આજે જોઈએ એ પ્રાચીનતમ જગત મંદિર નો ઇતિહાસ…
એવું માનવામાં આવે છે કે પ્રવર્તમાન દ્વારકાધીશનું મંદિર એ શ્રી કૃષ્ણ ભગવાનની ચોથી પેઢી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન અને તેમના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધ ના પુત્ર વજ્ર એ બનાવ્યું હતું. અહીં ગોકુળ મથુરા અને વૃંદાવન વાળા શ્રીકૃષ્ણ નથી પરંતુ અહીં નીતિ- રણનીતિ અને રાજનીતિ વાળા શ્રીકૃષ્ણ દ્વારકાધીશના સ્વરૂપમાં બિરાજે છે.
દ્વારકા નગરી ના નિર્માણ ની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણ ક્યારે મથુરા છોડીને અહીંયા આવ્યા ત્યારે સૌથી મોટી સમસ્યા એ હતી કે ભગવાન પાસે ભૂમિ ન હતી તો જ્યારે ભૂમિ નહોતી તો ભગવાન શ્રીકૃષ્ણએ સમુદ્ર દેવને પ્રાર્થના કરી અને મદદ માંગી કે તમે મારી મદદ કરી શકો છો સમુદ્ર દેવ એટલે કે શ્રી લક્ષ્મીજીના પિતા સમુદ્ર દેવ્ય કહ્યું કે અમે તમને 12 યોજન ભૂમિ આપી રહ્યા છીએ પરંતુ મારી એક શરત છે કે જેટલી જમીન અમે તમને આપીએ છીએ તે અમને સમય જતા પાછી આપવી પડશે ત્યારે જ અમે તમને જમીન આપી શકીશું સમુદ્ર દેવની શરતો ભગવાન શ્રીકૃષ્ણએ માનીને અહીંયા ની 12 યોજન ભૂમિ ઉપર વિરાટ દ્વારકા નગરીનું નિર્માણ ભગવાન શ્રીવિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું.
પૌરાણિક કથા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ માતા ગાંધારીનાં શ્રાપના લીધે ભગવાન શ્રીકૃષ્ણના વંશજો વચ્ચે યુદ્ધ થવાથી દ્વારાવતી નો એટલે કે દ્વારકાનો સૂર્ય અસ્ત પામ્યો અને સમુદ્ર દેવને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા વચન અનુસાર સમુદ્રદેવે પોતાની જમીન પાછી લેવા માટે પ્રયાણ કર્યું અને સમસ્ત દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ હોવાનું માનવામાં આવે છે.
આજે પણ જે જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણને જરા નામના પારધીએ પગમાં તીર માર્યું હતું અને જ્યાંથી ભગવાન નિજધામ વૈકુંઠ સીધાવ્યા હતા તે સ્થળે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર આવેલું છે જેને ભાલકાતીર્થ નામે ઓળખવામાં આવે છે જે સોમનાથ પાસે આવેલ છે.
આજના દ્વારકાધીશ મંદિરની ખાસિયત
આ મંદિર શાસ્ત્રો પ્રમાણે 5200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે અને જો પ્રમાણિત ઈતિહાસ ની વાત કરીએ તો મંદિરના અવશેષો આશરે 1200 વર્ષ જૂના હોવાનું પ્રતિપાદિત થાય છે.
દ્વારકાના ઐતિહાસિક પુરાવા વિશે વાત કરીએ તો દ્વારકાનો સૌથી પહેલો ઉલ્લેખ ભાવનગરના પાલીતાણા માંથી મળેલ એક છઠ્ઠી સદીના તામ્રપત્રમાં જોવા મળે છે.
ભગવાન દ્વારકાધીશના દેવાલયને 52 ગજની ધજા છે અને આ 52 ગજની ધજા રોજ પાંચ વાર બદલવામાં આવે છે. આ ધજા જોવામાં આવે તો 27 નક્ષત્ર, 12 રાશિ, 9 ગ્રહ દેવતા અને 4 દિશાઓને મેળવીએ તો 52 ગજ થાય છે.
આ મંદિરમાં ત્રિલોકના નાથ ભગવાન દ્વારકાધીશ ના નિયમ અને દિનચર્યા ની વાત કરીએ તો ભગવાનને રાજા ની જેમ લાડ લડાવવામાં આવે છે. દરરોજ 4 વખત આરતી, 11 વખત ભોગ, પાન બીડા અને કેસર શરબત અર્પણ કરવામાં આવે છે. રાત્રે ભગવાનને ચોપાટ પણ રમવા માટે આપવામાં આવે છે અને રાત્રે હાલરડા નું ગાન કરીને ભગવાનને સુવડાવામાં આવે છે.મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 7.00થી બપોરના 1.00 સુઘી અને સાંજના 4.00થી 7.30 સુઘીનો હોય છે.
જેવી રીતે આપણા સૌનો પરિવાર છે તેવી રીતે ભગવાન દ્વારકાધીશના મુખ્ય દેવાલયના પરિસરમાં તેમનો પરિવાર બિરાજે છે. ભગવાન દ્વારકાધીશ ની એકદમ સામે તેમની માતા દેવકી બિરાજે છે. તથા તે સિવાય આઠ પટરાણીઓ રુકમણી, સત્યભામા, જાંબુવતી, કાલિન્દી, મિત્રવૃંદા, સત્યા, લક્ષ્મણા અને ભદ્રાજી નો મહેલ આવેલો છે. ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમનજી તથા તેમના પુત્ર અનિરુદ્ધજી પણ અહીં બિરાજે છે. આ સિવાય માતા મહાલક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન ભોળાનાથ પણ અહીં બિરાજે છે.
શ્રીદ્વારકાધીશ મંદિરના ચોથા માળે તેમના કુળદેવી શ્રીશક્તિ માતાજી બિરાજેલા છે.
ગોમતી નદી અને અરબ સાગરના સંગમ ઉપર વસેલી છે વિશ્વાસ અને ઇતિહાસને જોડતી આજની આધુનિક દ્વારકા નગરી. દ્વારકાની આબાદી 50,000 કરતા પણ ઓછી છે છતાં અહીંયા વર્ષે કરોડો ભક્તોનું ઘોડાપુર આવે છે.
આ શહેરે અલગ અલગ કાળમાં અલગ અલગ શાસકોનું શાસન જોયું છે. ગુપ્ત વંશથી લઈને રાજપૂત મરાઠા મુઘલો અને અંગ્રેજો સુધી.
આજે પણ આ દિવ્ય દ્વારકા ભવ્ય દ્વારકા અને સુશોભિત દ્વારકામાં દ્વારકાધીશના તેજને અહીં મહેસુસ કરી શકાય છે.




